પ્રેમિકાની ચપ્પાના ઘા ઝીંકીને હત્યા કરનારા વોચમેનને આજીવન કેદ

મહિલાએ પ્રેમ સંબંધ તોડી નાખતાં ઉશ્કેરાઇ ગયેલા વોચમેને ચપ્પાના ઘા મારી મહિલાની હત્યા કરી હતી.
આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં ન્યાયાધીશે આરોપીને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા તેમજ રૂા.5 હજાર દંડ ફટકાર્યો હતો.
ન્યાયાધીશે નોંધ્યું કે, લોકશાહીમાં લોકોને તેમની ઇચ્છા મુજબ જીવવાનો અધિકાર છે.
પ્રેમમાં નિષ્ફળ જતાં હત્યા કરી નાખવાના બનાવો વધ્યા છે
ત્યારે આવા બનાવને હળવાશથી લઇ શકાય નહીં. ન્યૂ અલકાપુરીની ગ્રાસફીલ્ડ સોસાયટીમાં 21 જૂન, 2018ના રોજ નવીના નામની કામવાળીની ચપ્પાના ઘા મારીને ઘાતકી હત્યા કરી હતી.
તપાસમાં ખૂલ્યું હતું કે, આ જ સોસાયટીમાં વોચમેન તરીકે નોકરી કરતા હિતેશ ઉર્ફે ભોપો રમણભાઇ ચાૈહાણે નવીનાની હત્યા કરી છે.
નવીના અને હિતેશ વચ્ચે પ્રેમ સંબંધ હતો અને તેઓ ફોન પર વાતો કરતાં હતાં.
જોકે, નવીનાને શંકા ગઇ હતી કે, હિતેશને અન્ય સાથે પણ પ્રેમ સંબંધ છે
એટલે તેણે પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. જેની અદાવત રાખી આરોપીએ તેની હત્યા કરી નાખી હતી.
આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં તેમાં સરકાર તરફે સરકારી વકીલ ડી.જે. નારિયેલવાલા હાજર રહ્યા હતા.
ન્યાયાધીશે આ કેસમાં આરોપીને હત્યાના બનાવમાં કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજાનો આદેશ કર્યો હતો.
મીરા-કૃષ્ણના પ્રેમમાં સમર્પિતતા હતી : કોર્ટ
પ્રેમમાં નિષ્ફળતા મળતાં હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારતાં ન્યાયાધીશે નોંધ્યું કે, પ્રાચીન સમયમાં પ્રેમના દાખલા મોજૂદ છે.
મીરાનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને હિર-રાંઝાનો જે પ્રેમ હતો તેમાં સમર્પિતતા હતી.
ત્યાગ-બલીદાનની ભાવના હતી. પ્રેમ આવો હોય નહીં કે, સરમુખત્યાર બનીને અન્યને પ્રેમ કરવો અને તે પ્રેમ ન કરે તો હત્યા કરી નાખવી.
આ ઘૃણાસ્પદ કૃત્ય છે જેને વ્યાજબી ઠેરવી શકાય નહીં.