દાહોદ જિલ્લામાં આવેલ ફતેપુરા તાલુકા ના કાર્યક્ષેત્ર માં આવેલ ફતેપુરા ગ્રામ પંચાયતમાં 8.95 લાખની ઉચાપત!: વહીવટદાર અને તલાટી પર ખાનગી કામ માટે સરકારી ગ્રાન્ટ ટ્રાન્સફરનો આક્ષેપ, સરપંચે મુખ્યમંત્રીને રજૂઆત કરી..

ફતેપુરા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો નવો કિસ્સો સામે આવ્યો છે. નવનિયુક્ત સરપંચ પ્રવીણચંદ્ર પંચાલે ગ્રામ પંચાયતના ખાતામાંથી 8 લાખથી વધુની રકમ કોઈ કામ કર્યા વિના ઉપાડી લેવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. આ રકમ વહીવટદાર, તલાટી કમ મંત્રી અને તેમના મળતિયા દ્વારા એક ખાનગી એજન્સી, માતૃકૃપા એજન્સીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. આ મામલે સરપંચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી છે, જેની નકલ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને પણ આપવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક રાજકીય માહોલમાં ખળભળાટ મચાવ્યો છે.

અરજીમાં જણાવ્યા મુજબ, ફતેપુરા ગામના સાડા પાંચ એકરના તળાવની બાજુમાં આવેલી ખાનગી માલિકીની જમીન (સર્વે નંબર) પર પ્લોટિંગ કરીને આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, તળાવની પ્રોટેક્શન દિવાલ અને ડમ્પિંગ યાર્ડના નામે 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી 8 લાખથી વધુની રકમ 17 જુલાઈ, 2025ના રોજ માતૃકૃપા એજન્સીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી.

આરોપ છે કે આ ખાનગી કામોને સરકારી કામ તરીકે રજૂ કરીને ગ્રામ પંચાયતે કોઈ જાતનું કામ કર્યું નથી, અને આ રીતે સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી છે.
ફતેપુરા ગ્રામ પંચાયત ભ્રષ્ટાચારના આરોપોને લઈને અગાઉ પણ વિવાદોમાં રહી ચૂકી છે. ભૂતકાળમાં પૂર્વ સરપંચ કચરૂભાઈ પ્રજાપતિને ભ્રષ્ટાચારના આરોપસર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડકરવામાં આવ્યા હતા. વર્ષ 2020થી 2022 દરમિયાન ગ્રામ પંચાયત વહીવટદારના નિયંત્રણ હેઠળ હોવા છતાં, વહીવટદાર સંતોષભાઈ રાવત,તલાટી કમ મંત્રી આર.કે. ડામોર અને રાકેશભાઈ ચરપોટ દ્વારા કાગળ પર કામગીરી બતાવીને સરકારી ગ્રાન્ટની ઉચાપત કરવામાં આવી હોવાનો આરોપ છે.
નવનિયુક્ત સરપંચ પ્રવીણચંદ્ર પંચાલે ચાર્જ સંભાળ્યાના બીજા જ દિવસે આ ગેરરીતિનું ધ્યાન દોર્યું હતું. તેમણે મુખ્યમંત્રીને લેખિત અરજી કરીને તાત્કાલિક તપાસની માંગ કરી છે. સરપંચે દોષિત વહીવટદાર, તલાટી કમ મંત્રી અને તેમના મળતિયા સામે કાયદેસર કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. તેમણે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં ગ્રામ પંચાયતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, પરંતુ સરકારી તંત્ર દ્વારા કોઈ નિષ્પક્ષ તપાસ કરવામાં આવી નથી.

આ રજૂઆતથી ફતેપુરામાં રાજકીય માહોલ ગરમાયો છે. સરપંચની અરજીના આધારે જો તટસ્થ તપાસ થાય તો વહીવટદાર અને તલાટી કમ મંત્રીની સીધી સંડોવણી બહાર આવી શકે છે. સ્થાનિક લોકો અને રાજકીય આગેવાનોની નજર હવે સરકારી તંત્રની કાર્યવાહી પર છે. સરપંચે માંગ કરી છે કે આ મામલે નિષ્પક્ષ અને સઘન તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
ફતેપુરા ગ્રામ પંચાયતમાં 8.95 લાખ રૂપિયાની ઉચાપતનો આ કિસ્સો ગામના વહીવટી તંત્ર પર ગંભીર સવાલો ઉભા કરે છે. સરપંચની રજૂઆત બાદ હવે સરકારી તંત્ર આ મામલે શું પગલાં લે છે, તેના પર સૌની નજર રહેશે.