25 વર્ષથી ગરનાળામાં ગંદકી, રહીશોની આંદોલનની ચીમકી

મહેમદાવાદ શહેરના જીઈબી વિસ્તારમાં આવેલ રેલવે ગરનાળામાં બારેમાસ ઉભરાતા ગટરના પાણીને કારણે સ્થાનિકોનું જીવન નરક બની ગયું છે.
પશ્ચિમ વિસ્તારમાં રહેતા લોકોને નોકરી, શાળા, શાકભાજી ખરીદવા આજ ગરનાળામાંથી નીકળવાનું હોય છે,
પરંતુ બારેમાસ ગંદકીથી ખદબદતા આ ગરનાળાની સમસ્યા ઉકેલવામાં નગરપાલિકા નપાણી સાબિત થઈ છે.
અનેક ફરિયાદો બાદ કોઇ કાર્યવાહી થતી ન હોવાથી લોકોઅે અાખરે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
બી ગ્રેડમાં આવતી મહેમદાવાદ નગરપાલિકાનો વહીવટ એટલો તો ખાડે ગયો છે કે શહેરના પુર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા એકમાત્ર ગરનાળાની સમસ્યા 25 વર્ષથી હલ થઈ શકી નથી.
શહેરના અન્ય વિસ્તારો તો ગંદકી થી ખદબદે છે, પરંતુ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતુ ગરનાળુ પણ 25 વર્ષથી ગંદકીથી ખદબદી રહ્યું છે.
ઉભરાતી ગટર અને ગંદા પાણી થી ઇરાદાપૂર્વક આ વિસ્તાર ભરી રાખવામાં આવતો હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.
આ બાબતે પાલિકામાં ઘણી રજૂઆતો કરવા છતાં કોઈપણ નિર્ણય લેવામાં આવતો નથી.
શક્તિનગર, જોબનપુરા, ગોળીબાર નો ટેકરો, સરદારનગર અને આજુબાજુ ના ગામડાઓ જેવા કે વિરોલ, પરસાતજ, છાપરા, કતકપુરા, બોડીરોજી તેમજ આ વિસ્તારમાં આવેલ બે કોલેજ અને એક સ્કુલ સાથે સંકળાયેલા લોકો હરરોજ આ ગંદકી માંથી પસાર થતા તોબા પોકારી ઉઠ્યા છે.
બાળકોને સ્કૂલ જવા આવવા માટે, નોકરીઆતો ને બસ સ્ટેન્ડ જવા માટે, મહિલા ને જીવનજરૂરી વસ્તુઓ ખરીદી કરવા માટે ફરજિયાત આ ગંદકી માંથી પસાર થવું પડે છે.
DDOનો આદેશ સ્થાનિક તંત્ર ઘોળીને પી ગયું
આ બાબતે એક જાગ્રૃત નાગરીકે સ્વાગત કાર્યક્રમમાં લેખિત ફરિયાદ કરી હતી.
જેની ગંભીરતા લઈ જિલ્લા વિકાસ અધિકારીએ સ્થાનિક મામલતદાર અને ચીફ ઓફિસરને સ્થળ તપાસ કરી, પાણીના નિકાલ માટે પંપ મુકી સમસ્યાનો કાયમી નિકાલ લાવવા ટકોર કરી હતી.
જે આદેશને 2 મહિના થવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.