હાઈટેન્શનનો વાયર તૂટતાં ભણિયારાના ઓઇલ-સ્પેરપાર્ટ્સના બે ગોડાઉનમાં આગ, વડોદરા-હાલોલ હાઈવે બંધ કરવો પડ્યો

વડોદરા-હાલોલ હાઇવે પર આવેલ ભણીયારા ગામ પાસે ટુ-વ્હિલરના સ્પેરપાર્ટ અને ઓઇલની ડિસ્ટ્રીબ્યુટરશીપ ધરાવતી કંપનીના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી.
જેને કાબૂમાં લેવા ફાયરબ્રિગેડ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે
સાથે જ વડોદરા-હાલોલ હાઇવે પર તેના કારણે ચક્કાજામ સર્જાયો છે.
કોઇ જાનહાની નહીં
વડોદરાથી 8 કિલોમીટર દૂર હાલોલ હાઇવે પર ભણીયારા ગામ પાસે કિશ્નાશ્રેય ઓટોમોબાઇલ નામની કંપની આવેલી છે.
આ કંપની ટુ-વ્હિલરના સ્પેરપાર્ટ્સ અને વાહનોનો જુદાજુદા ઓઇલની ડિસ્ટ્રીબ્યુટરશીપ ધરાવે છે.
આ કંપનીના ગોડાઉનમાં આજે મોડી રાત્રે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જો કે આ ઘટનામાં કોઇને જાનહાની કે ઇજા થયાના કોઇ અહેવાલ નથી.
આગનું કારણ જાણી શકાયું નથી
કંપનીના મેનેજર દિલિપ વાઘેલાએ દિવ્યભાસ્કર સાથે ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે અમારી કંપનીમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી.
આગ લાગી ત્યારે કંપનીમાં કોઇ કામદાર ન્હોતા. માત્ર સિક્યોરિટી ગાર્ડ હતા.
જેથી કોઇને ઇજા કે જાનહાની થઇ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજું જાણી શકાયું નથી.
બ્રિગેડ કોલ જાહેર કરાયો
કંપનીના ગોડાઉનમાં ઓઇલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
જેની જ્વાળાઓ દૂર દૂર સુધી આકાશમાં દેખાઇ રહી હતી.
આગ ભીષણ હોવાથી બ્રિગેડ કોલ જાહેર કરી વડોદરા ફાયરબ્રિગેડની આઠ ગાડીઓ હાલ આગ બૂઝાવવાની કામગીરી કરી રહી છે.
તેમજ ફોમનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
આગને સંપૂર્ણ કાબૂમાં લેતા હજું કેટલાક કલાક લાગી શકે છે.
વડોદરા-હાલોલ હાઇવે ચક્કાજામ
આગને બૂઝાવવા માટે ફાયરબ્રિગેડના વાહને ઝડપથી અવરજવર કરી શકે તે માટે ગોલ્ડન ચોકડીથી ભણિયારા તરફનો હાઇવે સામાન્ય વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
જેથી હાઇવે પર ભારે ચક્કાજામ સર્જાયો છે.
ગોડાઉનમાં 10 હજાર લિટરથી વધુ ઓઇલ હતું
ક્રીનાશ્રય ઓટો, વિશ્વમ ઓટો મોબાઇલ ગોડાઉનના મેનેજર દિલીપ વાઘેલાએ જણાવ્યું કે, 10000 લીટર ઉપરાંત ઓઇલ હતું.
અમારી બે કંપનીના ઓઇલની ડીલરશિપ છે.
બંનેના માલિક કેયૂર પટેલ છે. આગ લાગી ત્યારે હું હાજર ન હતો માટે કેવી રીતે લાગી એની જાણ નથી.
રોબોટની મદદ લેવાઇ
વડોદરા ફાયર બ્રિગેડે ઓટોમેટિક રોબોટ આ આગમાં મોકલ્યો છે.
અંદાજે અડધો કિલોમીટર દૂરથી આ રોબોટ ઓપરેટ થઈ શકે છે.
300 મીટર દૂરથી આગ ઉપર પાણીનો છંટકાવ અને ફોર્મનો પણ છંટકાવ કરી શકે છે. આગ ઓલવવા ફોર્મનો ઉપયોગ થઇ રહ્યો છે.
દોઢ કલાક ટ્રાફિક જામ, વાહનો રસૂલાબાદથી ડાઇવર્ટ કરાયાં
આગને પગલે વાહનો રસુલાબાદથી ડાયવર્ટ કરાયા હતા. હાઇવે પર ભારે ટ્રાફીક જામ થયો હતો.
આગની જ્વાળા એટલી પ્રચંડ હતી કે હાઇટેન્શન લાઇનના વાયર પણ તુટ્યા હતાં.
ફાયર બ્રિગેડ વિજ પ્રવાહ બંધ કરાવી પોતાના વાહન અંદર લઇ જઇ શક્યું હતું.