અમિત ચાવડાએ આપને કોંગ્રેસની બી ટીમ ગણાવી, પછી ભૂલ સુધારી!

સંકલ્પ દિવસની ઉજવણી અંતર્ગત કોંગ્રેસ દ્વારા કોઠી ચાર રસ્તાથી કમાટીબાગ સુધી રેલી યોજાઈ હતી.
જેમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપના શાસનમાં 82 ટકા વસ્તી ધરાવતા સમાજ સાથે ભેદભાવ કરાતો હોવાના આક્ષેપ કર્યા હતા.
ગાયના નામે વોટ મેળવનાર પાર્ટી લમ્પી વાઈરસમાં ગાયને મરતાં જોઈ રહી છે,
તેમ જણાવી પ્રહાર કર્યા હતા. બીજી તરફ તેમણે આપને કોંગ્રેસની બી ટીમ ગણાવી હતી, જોકે પછી ભૂલ ધ્યાને આવતાં ખુલાસો કર્યો હતો.
સંકલ્પ દિને વડોદરા આવેલા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં નાગરિકોના અધિકારો છીનવાયા છે.
રાજ્યમાં 52 ટકા વસ્તી બક્ષીપંચ, 7 ટકા વસ્તી દલિત, 14 ટકા આદિવાસી અને 9 ટકા લઘુમતીઓ મળી કુલ 82 ટકા ભેદભાવ થઈ રહ્યો છે.
આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ વિજયી બની તમામ ભેદભાવો દૂર કરાશે.
બીજી તરફ અમિત ચાવડાએ ભૂલથી આપને કોંગ્રેસની બી ટીમ ગણાવી હતી.
ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના આપથી કોંગ્રેસને નુકસાન થશે તેવા નિવેદન મુદ્દે તેઓએ જણાવ્યું કે, આપ કોંગ્રેસની બી ટીમ છે,
ભાજપનું પેપર ફૂટી ગયું છે, નરેન્દ્ર મોદી, અમિત શાહ, આરએસએસની પોલ ખુલ્લી પડી છે.
ત્યારબાદ અહેસાસ થતાં કોંગ્રેસ નહીં,
પરંતુ આપ ભાજપની બી ટીમ છે તેમ કહી ભૂલથી શબ્દો બોલાયા હોવાનો ખુલાસો કર્યો હતો.