મહેમદાવાદના છાપરાથી L&T યાર્ડમાંથી રૂપિયા 2.80 લાખના લોખંડના એડેપ્ટરોની ચોરી કરી ભાગેલા 4 તસ્કરો ઝડપાયા

બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ હાલ L&T કંપની સંભાળી રહી છે. ખેડા જિલ્લામાં તેના સ્ટોર યાર્ડ આવેલા છે.
જેમાં કેટલાક ઈસમો પ્રવેશી ચોરીને અંજામ આપી રહ્યા છે. મહેમદાવાદના છાપરા ગામે L&T યાર્ડમાંથી રૂપિયા 2.80 લાખના લોખંડના એડેપ્ટરોની ચોરી કરી ભાગેલા 4 તસ્કરો ખેડા રોડ પરથી મહેમદાવાદ પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.
આ તસ્કરો પાસેથી પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ તેમજ વાહન મળી કુલ રૂપિયા 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
બોલેરો પીકપ ગાડીમાંથી ચાર શંકાસ્પદ ઈસમોની પોલીસે પુછપરછ હાથ ધરી
મહેમદાવાદ પોલીસના માણસો ગતરોજ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
આ દરમિયાન બાતમીના આધારે ખેડા રોડ ઉપરથી પસાર થતી એક સફેદ કલરની બોલેરો પીકપ ગાડી નંબર (GJ 06 AZ 3839)ને અટકાવી હતી.
જેમાં સવાર ચાર ઈસમ શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે આ ચારેય ઈસમોને પૂછપરછ હાથ ધરી હતી.
જેમા તેઓએ પોતાના નામ પ્રવીણ ફતાભાઈ પરમાર (રહે.દેવકી વણસોલ ભુગજીપુરા, તા.મહેમદાવાદ), સુરેશ મેલાભાઈ ગોહિલ, જનક રામસિંગ સોઢા પરમાર અને ગણપત ઉર્ફે ઘનો રાવજીભાઈ ઝાલા (ત્રણેય રહે.છાપરા, તા.મહેમદાવાદ) હોવાનું જણાવ્યું હતું.
ચોરી કરી હોવાની કબૂલાત કરી
પોલીસે વાહનની તલાસી લેતા તેમાંથી લોખંડના એડેપ્ટરો નંગ 295 કિંમત રૂપિયા 2 લાખ 80 હજારના મળી આવ્યા હતા.
આ એડેપ્ટરો ક્યાંથી લાવ્યા તે દિશામાં પોલીસે તપાસ કરતા આ ઝડપાયેલા ઈસમોએ જણાવ્યું હતું કે, ગત 17મી સપ્ટેમ્બરના રોજ રાત્રે મહેમદાવાદના છાપરા સ્થિત આવેલ L&T યાર્ડમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
આથી પોલીસે આ તમામ ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
આ ગુનામાં પકડાયેલા ચાર આરોપીઓ બીજા કેટલા ગુનાઓને અંજામ આપ્યો છે
તેમજ અગાઉ તેઓ અન્ય કોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બીજા ગુનાઓ કેટલા આચરેલા છે તે બાબતે ગુનાહિત ઇતિહાસની તપાસ પોલીસે કવાયત હાથ ધરી છે.
