ગાંધીધામમાં લૂંટ, બાઈક ચોરી, મોબાઈલ ઝુંટવતા 6 પીંજરે પુરાયા

ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ : ગાંધીધામમાં લુંટ, વાહન ચોરી અને મોબાઈલની ચીલઝડપના વધતા બનાવોમાં શહેરની પોલીસને મહત્વપુર્ણ ડિટેક્શન કરીને કુલ ત્રણ અલગ અલગ કાર્યવાહીમાં 6 આરોપીઓને ઝડપી પાડીને તેમની પાસે ચોરી કે લુંટમાં ગયેલા સહિત તે ગેરકાનુની કાર્ય કરવા માટે ઉપયોગમાં લીધેલા કુલ 3.50 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
આ કાર્યવાહીમાં 5 આરોપી તો ઝડપાઈ ગયા હતા,
પરંતુ બે આરોપી હાજર ન મળતા તેમના નામજોગ ફરિયાદ દાખલ કરાઈ હતી.
રાહદારીને રીક્ષામાં બેસાડીને અવાવરુ સ્થળે લુંટીને મુકી દેતા હતા
ગાંધીધામમાં ગત સપ્તાહેજ બનેલી રીક્ષામાં લુંટની ઘટનાનો ભેદ ઉકેલતા પોલીસે બે આરોપી અને બે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો સહિત ચારને પકડી હાજર ન મળેલા એક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
ગાંધીધામમાં ગત સપ્તાહે રેલવે સ્ટૅશન ઉતરીને પીડીત વ્યક્તિ ગળપાદર જવા માંગતો હતો,
ત્યારે રાત્રીના બે વાગ્યે ગોકુલ હોટલ પાસેથી રીક્ષામાં બેસાડીને ગળપાદરની જગ્યાએ પડાણા તરફ રીક્ષા વાળીને છરીની અણીએ લુંટ ચલાવી હોવાની ફરિયાદ દાખલ થઈ હતી.
જે સંદર્ભે તપાસમાં રહેલી એ ડિવિઝન પોલીસે ટેક્નીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સથી ગોપાલપુરી કોલોની પાછળથી મોહમદસલીમ આઝાદબાપુ શાહ (ઉ.વ.28), શ્રીકાંત ઉર્ફે મજલો શંકર મહતો (ઉ.વ.18) (રહે. બન્ને પીએસએલ કાર્ગો) અને બે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોને પકડ્યા હતા.
તો પીએસએલ કાર્ગોમાંજ રહેતા ગોવર્ધન પાસવાનને પકડાયો નહતો.
આ પાંચેય વિરુદ્ધ ગુનો દાખલ કરીને પોલીસે લુંટમાં ગયેલા રોકડ 15 હજાર, પેસેન્જર છકડો, 4 મોબાઈલ અને એક છરી મળીને કુલ 95,500નો મુદામાલ જપ્ત કર્યો હતો.
આ કામગીરીમા પીઆઈ એ.બી. પટેલ અને સ્ટાફ દ્વારા કરાઈ હતી.
મોબાઈલ સ્નેચીંગ કરતો ખારીરોહરનો આરોપી પકડાયો
ગાંધીધામના જીઆઈડીસીમાંથી મોબાઈલ ચોરી કરીને ભાગેલા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
એ ડિવિઝન પોલીસે જીઆઈડીસી રોડ પર મોબાઈલની ચીલ ઝડપ કરનાર આરોપી હુશેન અબ્દુલા મામદ અજાભાઈ (રહે. ખારીરોહર, પીરકોલોની) ને ઝડપી પાડ્યો હતો,
તો જુસબ ઉર્ફે કુવાડો (રહે. ખારીરોહર) પકડવાનો બાકી છે.
આરોપી પાસેથી ચીલઝડપ કરેલો 10 હજારનો મોબાઈલ, એક બાઈક મળીને કુલ 45 હજારનો મુદામાલ જપ્ત કરાયો હતો.
