દિલ્હી-મુંબઇ ફર્યા બાદ પૈસાનો ભાગ પાડવા ભાવનગર આવ્યા ને પકડાયા

વઢવાણ એપીએમસીમાં આવેલી પીએમ આંગણવાડી પેઢીમાંથી રૂ. 71.44 લાખની લૂંટના તરકટમાં પોલીસે વધુ 4 આરોપીને ભાવનગરમાંથી દબોચી લઇને રૂ. 54.45 લાખની રોકડ જપ્ત કરી હતી.
આ બનાવમાં આરોપીઓને 2 દિવસના રિમાન્ડ પર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી
વઢવાણ એપીએમસીમાં આવેલી પીએમ નામની આંગવાડી પેઢીમાં તા. 8 સપ્ટેમ્બરે રૂ. 71.44 લાખની લૂંટનું તરકટ થતા પોલીસતંત્રમાં દોડધામ મચી હતી.
આ બનાવમાં ત્રણ આરોપીને દબોચી લઇને જેલ હવાલે કરાયા હતા.
જ્યારે બાકીના 4 આરોપીને પકડવા ભાવનગર સહિતના સ્થળોએ જુદી જુદી ટીમો મોકલીને બી-ડિવિઝને તપાસ હાથ ધરી હતી.
આ દરમિયાન શિહોર ભાવનગર રોડ ઉપર આવેલી ખાખરીયા ગામના પાટીયા પાસે આરોપીઓ ભેગા થતા સીદસરના કલ્પેશ ઉર્ફે કપો નાથાભાઈ કોતર, સુરેશ ઉર્ફે ગલ્લી કાવાભાઈ ચાવડા, કેતનભાઈ હમીરભાઈ ચાવડા અને શિહોરના ઘનશ્યામભાઈ ઉર્ફે ઘનો નોંધાભાઇ કોતરને દબોચી લીધા હતા.
અને તેઓની પાસેથી રૂ. 57.45 લાખની મત્તા જપ્ત કરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછ કરતા લૂંટના તરકટનો ભાંડો ફૂટ્યાની ગંધ આવતા મુંબઇ, દિલ્હી સહિતના સ્થળોએ ફરવા નીકળી ગયા હતા.
અને લૂંટની રકમમાંથી રૂ. 2,55,000 જેટલી રકમ વાપરી પણ નાંખી હોવાનું બહાર આવ્યુ હતુ.
તેમજ ગુનાનો મુખ્ય આરોપી ભેજાબાજ કલ્પેશ ઉર્ફે કપો હોવાનું ખૂલ્યુ હતુ.
આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા 2 દિવસના રિમાન્ડ પર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
કેટલી રકમ જપ્ત કરવામાં આવી
રૂ. 71.44 લાખની લૂંટના તરકટમાં પોલીસે યશપાલ પાસેથી રૂ. 11.44 લાખ, ઘનશ્યામ પાસેથી રૂ. 1.45 લાખ, સુરેશ પાસેથી 1 લાખ તેમજ હાલમાં ઝડપાયેલા ચારેય આરોપીઓ પાસેથી રૂ. 57 લાખથી વધુની રકમ મળી આવી હતી.
કોની સામે ગુનો નોંધાયેલા
કલ્પેશ ઉર્ફે કપો નાથાભાઈ કોતર સામે ભરૂચમાં-1, ખેડામાં-1, ભાવનગરમાં -3 તેમજ સુરેન્દ્રનગર બી-ડિવીઝનમાં – 1 ગુનો નોંધાયો હતો.
જ્યારે સુરેશ ઉર્ફે ગલ્લી સામે ભાવનગર વરતેજ પોલીસ મથકમાં-2 અને સુરેન્દ્રનગ બી-ડિવીઝનમાં-1, કેતન ચાવડા સામે ભાવનગર વરતેજમાં-1,ભરતનગરમાં-2 અને સુરેન્દ્રનગર બી-ડિવીઝનમાં 1 ગુનો તેમજ ઘનશ્યામ ઉર્ફે ઘના સામે શિહોર પોલીસ મથકમાં -1 અને સુરેન્દ્રનગર બી-ડિવીઝનમાં-1 ગુનો નોંધાયો હતો.