સિટીલાઇટના કાપડ વેપારીના ફ્લેટમાં ચોરે 35 ફૂટ ઊંચે ચઢી રૂ. 21 લાખના ઘરેણા ચોર્યા

સિટીલાઇટ પર કાપડના વેપારીના ફલેટમાં ચોરો 35 ફૂટ ઊંચાઈ પર લોખંડની ગ્રીલ અને પાળી ચઢી અંદર બેડરૂમમાં ઘુસી 32 તોલાના 21 લાખની કિંમતના દાગીનાની ચોરી કરી ભાગી ગયા હતા.
સિટીલાઇટ મહેશ્વરી ભવનની સામે નેમીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રિયાંક શાહ કાપડ અને લેસ પટ્ટીનો ધંધો કરે છે.
20મીએ વેપારી પરિવાર સાથે સૂતા હતા. દરમિયાન વહેલી સવારે ત્રાટકેલા તસ્કરોએ પહેલા-બીજા માળની લોખંડની ગ્રીલ અને બાલ્કનીની પાળી વાટે ત્રીજા માળે ફલેટમાં આવી માસ્તર બેડરૂમમાં ઘુસ્યો હતો.
ચોરોએ કાચની બારીની સ્લાઇડીંગનું લોક તોડી અંદર ઘુસીને કબાટના તાળાં તોડી અંદરથી અલગ અલગ હીરાજડિત દાગીના 32 તોલાના રૂ.21.07 લાખના ચોરી કરી ભાગી ગયો હતો.
વેપારી કસરત કરવા માટે સવારે ઉઠયા ત્યારે સોફા પર જવેલરીના બોક્ષ પડેલા હતા.
આથી તેઓ કબાટ ચેક કરતા તેમાં સોનાના ઘરેણાં ગાયબ હતા. આ અંગે વેપારીએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપી છે.
જેના આધારે પોલીસે ગુનો નોંધી સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે.
એક શખ્સ કેમેરામાં કેદ થયો છે.
અન્ય બનાવમાં વેસુમાં સંશ્રેય રેસીડન્સીમાં રહેતા અને બાંધકામની સાઇડ પર પ્રોજેકટ મેનેજર તરીકે નોકરી કરતા ભુપેન પંચાલ 11મીએ પિતાની શ્રાધ્ધ હોવાથી પરિવાર સાથે વાપી ગયા હતા.
આ અરસામાં ત્રાટકેલા તસ્કરોએ ઘરમાં પૂજાખંડમાં રહેલા કબાટમાંથી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ મળી 1.30 લાખની ચોરી કરી ફરાર થયા છે. ઉમરા પોલીસ તપાસ કરી રહી છે.