‘તારા ગર્ભમાં ઉછરતું બાળક મારુ નથી’ તેમ પતિએ કહી પત્નીને માર માર્યો, મહેમદાવાદના નાની અડબોલ ગામનો બનાવ

9 મહિનાની ગર્ભવતી પરિણીતા પર અત્યાચાર ગુજાર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
જેમાં તેના વ્હેમીલા પતિએ ગર્ભમાં ઉછરતું બાળક મારુ નથી તેમ પતિએ કહી પત્ની પર અત્યાચાર ગુજાર્યો છે.
મહેમદાવાદના નાની અડબોલ ગામના બનાવ મામલે પરિણીતાએ પોતાના પીયર ખાતે માતર પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ, સાસુ, સસરા અને જેઠ સામે ફરિયાદ નોંધાવી છે.
પતિ ખોટો વહેમ રાખી પરણીતા સાથે મારઝૂડ કરતો
માતર તાલુકાના હૈદરાબાદ ગામની 19 વર્ષિય યુવતીના લગ્ન ગત વર્ષે મે મહિનામાં મહેમદાવાદ પાસેના નાની અડબોલ ગામના યુવાન સાથે સમાજના રીતી રીવાજ મુજબ લગ્ન થયા હતા.
હાલ આ પરિણીતા 9 માસનો ગર્ભ ધરાવે છે. જોકે આ પહેલા એટલે કે, લગ્નના એકાદ માસથી તેના પતિ ખોટો વહેમ રાખી પરણીતા સાથે મારઝૂડ કરતો હતો.
ઉપરાંત તેનુ ઉપરાણું લઈને પરિણીતાના સાસુ, સસરા અને જેઠ તેણીને શારીરીક માનસિક ત્રાસ આપતા હતાં.
જોકે, ઘર સંસાર બગડે નહીં તે હેતુસર પરણીતા પોતાના પિયરના વ્યક્તિઓને કાંઈ કહેતી નહોતી.
મેડીકલ રિપોર્ટ કરવાનો છે તેમ કહી ફરી સાસરીમાં લઈ ગયો
ગત જુલાઈના પહેલા સપ્તાહમાં પરિણીતાનુ શ્રિમંત તેણીની સાસરીમાં કર્યુ અને આ બાદ તેણીની પોતાના પિયર માતરના હૈદરાબાદ ખાતે આવી હતી.
શ્રીમંતના બીજા દિવસે તેણીનો પતિ પિયરમાં આવી તેના સસરાને જણાવ્યું કે, તમારી દીકરીનો મેડીકલ રિપોર્ટ કરવાનો છે તેમ કહી તેણીને ફરી સાસરીમા લઈ ગયો હતો.
જ્યાં તેના વ્હેમીલા પતિએ પોતાની પત્નીને કહ્યું કે, તારા ગર્ભમાં ઉછરતું બાળક મારૂ નથી તેમ કહી પરિણીતા સાથે મારઝૂડ કરવા લાગ્યો હતો
અને આ પછી બીજા દિવસે તેણીને પોતાના પિયર મુકી ગયો હતો.
પોલીસે તપાસ હાથ ધરી
આટલેથી વાત ન અટકતાં ગત 7મી જુલઈના રોજ તેના પતિએ પોતાની સાસરીમા આવી પોતાના સાસુ, સસરાની ગેરહાજરીમાં બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો
અને શ્રીમંત વખતે આપેલા દર દાગીના લઈ ફરાર થઈ ગયો હતો.
આ સમગ્ર મામલે પીડિતાએ ગતરોજ માતર પોલીસ મથકે પોતાના પતિ, સસરા અને જેઠ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.