લુણાવાડા નગરના TBના દર્દીઓને આજરોજ મહારાણા સિદ્ધરાજસિંહ તરફથી પોષણ કિટની સહાય આપવામાં આવી

ભારત સરકાર વર્ષ 2025 સુધીમાં ક્ષયમુક્ત બનાવવા કટિબદ્ધ છે. જેના અનુસંધાને સરકારના નિ-ક્ષય મિત્ર અભિયાન અંતર્ગત અંબાજી માતાજી મંદિર ટ્રસ્ટ, લુણાવાડાના પ્રમુખ એચ.એચ મહારાણા સિદ્ધરાજસિંહ તરફથી લુણાવાડા શહેરના અર્બન હેલ્થ સેન્ટર ખાતે સારવાર લઈ રહેલ ટીબીના તમામ દર્દીઓને જ્યાં સુધી સારવાર ચાલુ રહે
ત્યાં સુધી પ્રોટીનયુક્ત પોષણ કીટ આપવામાં આવશે. આજરોજ લુણાવાડા શહેરના ટીબી રોગના દર્દીઓને પોષણ કીટ અપાઈ હતી.
તથા સરકારના નિ-ક્ષય મિત્ર અભિયાન અંતર્ગત શ્રી અંબાજી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જીલ્લા ક્ષય કેન્દ્રના માર્ગદર્શન દ્વારા ટીબીના હાલ સારવાર પરના 27 દર્દીઓને કીટ આપવમાં આવી.
પોષણ કીટ સાથે દર્દીઓના નિયમિત સંપર્કમાં રહી આત્મીયતા બાંધી શ્રી અંબાજી માતાજી મંદિર ટ્રસ્ટ, લુણાવાડાના પ્રમુખ એચ.એચ મહારાણા સિદ્ધરાજસિંહ દ્વારા દર્દીઓના સ્વાથસ્થ વિશે માહિતી પણ એકત્રિત કરવામાં આવશે.
વધુમાં એચ.એચ મહારાણા સિદ્ધરાજસિંહે લુણાવાડા શહેરના ટીબીના દર્દીઓને વહેલી તકે પોતાના સ્વાસ્થ્યમાં સુધારો થાય અને લુણાવાડા શહેરના ટીબીના દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે તેવી આશા વ્યક્ત કરી હતી.
સરકાર ઝીરો ટીબી કેસ તરફ પ્રયાસરત છે
અને વધુમાં વધુ ટીબી રોગીઓની સહાયતા કરવાનો સંકલ્પ લઈને લુણાવાડા શહેરના સામાન્ય નાગરિક, જનપ્રતિનિધિ, બિનસરકારી સંસ્થા, કોર્પોરેટ સંસ્થાઓને નિ-ક્ષય મિત્ર બનવા આહવાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.કે પરમાર દ્વારા કીટની ઉપયોગીતા વિશે દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બાબતે દર્દીઓએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, મહારાજાએ સારવારમાં મદદ કરી અમને નવજીવન બક્ષ્યું હોવાથી સૌ દર્દીઓએ મહારાજાનો આભાર માન્યો હતો.
આ પોષણ કીટ વિતરણ કાર્યક્રમમાં અંબાજી માતાજી મંદિર ટ્રસ્ટ, લુણાવાડાના પ્રમુખ એચ.એચ મહારાણા સિદ્ધરાજસિંહ, નગરપાલિકા પ્રમુખ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી, અર્બન હેલ્થ સેન્ટર મેડીકલ ઓફિસર અને તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.