કોલવડાનાં ઇન્દિરાનગર રોડ પર રીક્ષાની ટક્કરથી સાયકલ સવાર કિશોરનું મોત નીપજ્યું

ગાંધીનગરનાં કોલવડાનાં ઇન્દિરાનગર રોડ ઉપર આજે સવારના કુદરતી હાજતે જવા સાયકલ લઈને નીકળેલા બાર વર્ષના કિશોરનું રીક્ષાની ટક્કરથી કરૂણ મોત નિપજ્યું છે.
આ અંગે પેથાપુર પોલીસે રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
માતાને આર્થિક મદદરૂપ થવા કિશોર છૂટક ઘરકામ કરતો હતો
ગાંધીનગરનાં કોલવડા ખાતે રહેતો બાર વર્ષીય અવિનાશ નટવરલાલ દંતાણીનાં પરિવારમાં માતા તેમજ બે બહેનો અને એક ભાઈ છે.
અવિનાશનાં પિતાનું ત્રણ અગાઉ અવસાન થયું છે. જ્યારે અવિનાશ ધોરણ 8 સુધી ભણેલો હતો.
જેણે છ મહિના અગાઉ અભ્યાસ છોડી દીધો હતો
અને તેની માતાને આર્થિક મદદરૂપ થવા છૂટક ઘરકામ કરતો હતો.
રીક્ષાની ટક્કરથી કિશોર ઉછળીને રોડ પર પટકાયો
આજે સવારે અવિનાશ કુદરતી હાજત કરવા માટે સાયકલ લઈને ઘરેથી નિકળ્યો હતો.
ત્યારે કોલવડાનાં ઇન્દિરાનગર આવાસ પાસેના રોડ ઉપર એક રીક્ષા ચાલકે પોતાની રીક્ષા પૂરપાટ ઝડપે અંગે ગફલતભરી રીતે હંકારીને સાયકલને ટક્કર મારી હતી.
જેનાં કારણે અવિનાશ ઉછળીને રોડ ઉપર પટકાયો હતો.
રીક્ષા ચાલકની ધરપકડ કરવાં માટે ચક્રો ગતિમાન
આ અકસ્માત થતાં આસપાસના વસાહતીઓ દોડી આવ્યા હતા.
અને અવિનાશને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં ફરજ પરના તબીબે અવિનાશને તપાસીને મૃત જાહેર કર્યો હતો.
બનાવના પગલે પેથાપુર પોલીસે ગુનો નોંધી રીક્ષા ચાલકની ધરપકડ કરવાં માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.