બિલ્ડર અપૂર્વ પટેલ સામે વધુ એક ફરિયાદ, ડી માર્ટમાંથી સામાન ચોરી કરતા ત્રણ ઝડપાયા

અનેક લોકોને મકાન આપવાની લાલચ આપી કરોડોની છેતરપિંડી કરનાર બિલ્ડર અપૂર્વ પટેલ સામે વધુ એક ફરિયાદ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
બાલાશિનોરમાં ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા નિસર્ગકુમાર રજનીકાંત પટેલની સાસરી વડોદરામાં થતી હોય તેમણે અક્ષર ચોક વિસ્તારમાં મેપલ વિસ્ટામાં અપૂર્વ પટેલ પાસેથી દુકાન અને મકાન લેવા માટે ડીલ કરી હતી.
આ માટે 59 લાખ રૂપિયા લીધા હતા. જો કે દુકાન કે ઘરનો દસ્તાવેજ હજુ સુધી કરી આપ્યો નથી.
જેથી બિલ્ડર અપૂર્વ પટેલ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.
ડીમાર્ટમાંથી ચોરી કરતા ત્રણ ઝડપાયા
ફતેગંજ વિસ્તારમાં જૂના છાણી રોડ સરદારનગર ખાતે આવેલ ડીમાર્ટમાંથી પાર્મિલબેન ભીલાલા (રહે. અમરનગર, નવાયાર્ડ), દિંગબર સારંગી (રહે. ધરતી ટેનામેન્ટ, સમા) અને રાજેન્દ્રનંદન મલીક (રહે. ધરતી ટેનામેન્ટ, સમા) જેન્સ પેન્ટ, ચપ્પલ, એક કિલો બદામ, ખાદ્યતેલ, ટેલકમ પાઉડર, બિસ્કીટ સહિતના કુલ 10 હજાર રૂપિયાના સામાનની ચોરી કરતા ઝડપાઇ ગયા હતા.
વાડીમાં મહિલાઓ વચ્ચે મારામારી
શહેરના પ્રતાનગર રોડ પર રહેતા કમુબેન અડીયલ અને હર્ષિકાબેન કેથવાસ વચ્ચે ઝઘડો થયો હતો.
જેમાં એકબીજાના સંબંધીઓ પણ વચ્ચે પડ્યા હતા. આ બનાવમાં કુમબેનને માથામાં ઇજાઓ થતાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા.
સામે પક્ષે હર્ષિકાબેને પણ તેમને માર મારવામાં આવ્યાની ફરિયાદ વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
માંજલપુરમાં ATMમાં ચોરીનો પ્રયાસ
શહેરના માંજલપુરમાં ડ્રીમલેન્ડ કોમ્પલેક્ષમાં આવેલ ICICI બેંકના ATMમાં કોઇ અજાણ્યા શખ્સે કોસ્મેટિક ડોર ખોલી તેમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો.
જો કે કેશ લોડિંગ માટેનું કોમ્બીનેશન લોક સહીસલામત હતું જેથી તેમાંથી કોઇ રોકડ રકમ ચોરાઇ ન્હોતી. આ અંગે માંજલુપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
રોડ વચ્ચે રિક્ષા ઉભી રાખી પોલીસકર્મી સાથે દાદાગીરી
શહેરના ગાંધીનગર ગૃહ કાતે પોલીસકર્મી ભીમસિંગ તૈનાત હતા ત્યારે વિપુલ રાજુભાઇ પરમાર (રહે. ચકનીયા પોળ, બાજવાડા, વડોદરા) કલામંદિરના ખાચા પાસે રિક્ષા ઉભી રાખી ઉભો હતો. જેથી પોલીસકર્મીએ તેને રિક્ષા હટાવવાનું કહેતા રિક્ષાચાલકે પોલીસકર્મીને અપશબ્દો કહી ધક્કામુક્કી કરી હતી. આ મામલે રિક્ષાચાલક વિપુલ પરમાર સામે સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસની ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.