અન્ય રાજ્યોમાં MBBS થયેલાને PGમાં પ્રવેશની મંજૂરીથી રાજ્યના 18 હજાર વિદ્યાર્થીને નુકસાન

રાજ્યની પીજી મેડિકલ અને ડેન્ટલની 2 હજારથી વધુ સીટ પર પ્રવેશ માટેના નિયમોમાં ફેરફારોથી ગુજરાતના વિદ્યાર્થીઓમાં અસંતોષ છે.
અન્ય રાજ્યો અને વિદેશોમાં એમબીબીએસ કરનારા વિદ્યાર્થીઓને ગુજરાતમાં પીજી માટે પ્રવેશની છૂટના નિયમથી ગુજરાતમાં એમબીબીએસ કરનારા 3 હજારથી વધુ વિદ્યાર્થીઓને અન્યાય થશે તેવો વિદ્યાર્થીઓનો દાવો છે.
વિદ્યાર્થીઓના મતે, પ્રવેશના નિયમોમાં ફેરફારોથી પીજી મેડિકલમાં ગુજરાતમાંથી એમબીબીએસ થયેલા આશરે 3 હજાર, જ્યારે હાલ એમબીબીએસનાં વિવિધ વર્ષોમાં અભ્યાસ કરી રહેલા 15 હજારથી વધુ વિદ્યાર્થીને નુકસાન થશે.
હાલ પીજી મેડિકલ, ડેન્ટલ સહિતની બેઠકો માટે 4107 પિનનું વિતરણ કરાયું છે,
જ્યારે 4099એ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. વિદ્યાર્થીઓના મતે, જેમણે ધો. 12 સાયન્સમાં ઓછા ટકા આવતા બહારનાં રાજ્યોની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં એમબીબીએસ કર્યું,
તે જ હવે પીજી મેડિકલમાં પ્રવેશ માટે ગુજરાતની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં લાખોની ફી ભરી એમબીબીએસ થયેલાના હરીફ બનશે.
ગુજરાતની પીજી સીટો પર અન્ય રાજ્યો, વિદેશોમાં ભણનારાને પ્રવેશ મળી શકશે
ગુજરાતમાં MBBS થયેલાને પીજી પ્રવેશ માટે સ્પર્ધા વધશે.
2014થી 2021 સુધીમાં એમબીબીએસમાં એડમિશન લેનારા વિદ્યાર્થીને આ નિયમની જાણ ન હોવાથી અન્યાય થશે.
બદલાયેલા નિયમ મુજબ સૌથી પહેલાં યુનિવર્સિટીનો ક્વોટા ભરવામાં આવશે
વિદ્યાર્થીઓને યુનિવર્સિટી ક્વોટા અને સ્ટેટ ક્વોટામાં પસંદગીનો વિકલ્પ નહીં અપાય. પહેલાં યુનિ. ક્વોટા ભરાશે,
તો આ રિઝર્વ ક્વોટાનો મતલબ નહિ રહે.
અનામત ક્વોટામાંથી સીટ બિનઅનામત ક્વોટામાં ફેરવવાની સત્તા પ્રવેશ કમિટીને
અત્યાર સુધી છેલ્લા રાઉન્ડ રિઝર્વની સીટો બિન અનામતમાં ફેરવાતી હતી.
બીજા-ત્રીજા રાઉન્ડની પ્રક્રિયામાં સીટ રેશિયો જળવાશે નહીં.
ગુજરાત ક્વોટા, અનામત ક્વોટાના વિદ્યાર્થીને અસર થશે.
ખાલી સીટ પર એલિજિબિલિટીનો નિયમ પણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં
પ્રવેશ મળ્યા બાદ સીટ છોડવી હશે તો વિદ્યાર્થીને ફી પાછી અપાશે, પેનલ્ટી નહીં લાગે. ખાલી સીટ પર એલિજિબિલિટી નિયમને ધ્યાનમાં લીધા વિના અન્ય રાજ્ય કે ગુજરાતના વિદ્યાર્થીને પ્રવેશ મળી શકશે.
નિયમોમાં છેલ્લી ઘડીએ કરાયેલો ફેરફાર અયોગ્ય છે
પીજી મેડિકલમાં પ્રવેશ માટેના નિયમોમાં છેલ્લી ઘડીએ કરેલો ફેરફાર અયોગ્ય અને અન્યાયી છે.
આ વિદ્યાર્થીઓએ એમબીબીએસમાં પ્રવેશ લીધો હતો, તે જ સમયે નવા નિયમોમાં ફેરફારની જાહેરાત થવી જોઈતી હતી.
> ડો બિપીન પટેલ, ભૂતપૂર્વ પ્રમુખ, ઇન્ડિયન મેડિકલ અસોસિયેશન, ગુજરાત બ્રાન્ચ