પાર્ટ ટાઇમ કામના બહાને ગોરવાના ઇજનેર સાથે 87 હજારની છેતરપિંડી

પારુલ યુનિ.માં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા યુવાને પાર્ટ ટાઈમ નોકરીની શોધ કરવામાં 87 હજાર ઓનલાઈન ગઠિયાની જાળમાં ફસાઈને ગુમાવ્યા હતા.
ગોરવાના અંબાલાલ પાર્કમાં રહેતા પ્રેમલ વિનોદચંદ્ર જોશી પારુલ યુનિ.માં એન્જિનિયર છે. 13 જુલાઇએ તેમના મોબાઇલ પર લીંક આવી હતી,
જેના પર ક્લિક કરતાં સોશિયલ મીડિયા ખૂલી ગયું હતું અને હેલ્લો ગુડ મોર્નિંગ મેસેજ આવ્યો હતો.
તે વેળા તેઓ પાર્ટ ટાઈમ નોકરીની શોધમાં હતા. જેથી મેસેજથી વાતચીત ચાલુ કરી હતી.
ત્યારબાદ તે નંબરથી બીજી લીંક આવતાં તેમાં નામ રજિસ્ટ્રેશન કરવાનું જણાવ્યું હતું.
જેથી પ્રેમલ જોશીએ બાયોડેટા તથા એચડીએફસી બેંકનો એકાઉન્ટ નંબર સબમીટ કર્યો હતો.
જે એકાઉન્ટ સાથે તેનું ગુગલ પેનું એકાઉન્ટ પણ લીંક છે. પ્રેમલે વિશ્વાસમાં આવી તમામ માહિતી સબમીટ કરી હતી.
જેથી રજિસ્ટ્રેશન થયા બાદ રૂા.60 કેશબેક તરીકે ગુગલ પેમાં ફોન કરનારે મોકલ્યા હતા.
ત્યારબાદ પ્રેમલે ગુગલ પેથી રૂા.500 મોકલી આપતા રૂા.260 કેશબેક મળ્યા હતા.
જે બાદ ગઠિયાએ આ રીતના કામ કરવું હોય તો પ્રોડક્ટ જોઈ રૂપિયા મોકલતાં રહો તો કમાણી થશે,
તેમ કહેતાં પ્રેમલે નિયત અંતરે રૂા.87 હજાર જમા કરાવ્યા હતા.
તે પછી આરોપીએ જવાબ આપવાનું ટાળ્યું હતું.
જેથી ગોરવા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.