વડોદરામાં લવ મેરેજ કરનાર પતિ અન્ય યુવતી સાથે રહેવા જતો રહ્યો, પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી

વડોદરા શહેરના ફતેગંજમાં રહેતી પરિણીતાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેનો પતિ દારૂ પી મારઝૂડ કરે છે.
તેમજ સંતાનોના ભરણપોષણ માટે પણ કોઇ મદદ નથી કરી રહ્યો.
સાથે અન્ય એક યુવતી સાથે તેના સંબંધો છે.
બે સંતાન છતાં તરછોડી
વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે કે તેના વર્ષ 2012માં તુષાર રાકેશભાઇ મકવાણા સાથે પ્રેમલગ્ન થયા હતા.
લવ મેરેજને કારણે પરિણીતાને તેના માતા-પિતા પણ બોલાવતા નથી. લગ્નના એક વર્ષ બાદ પુત્રીનો જન્મ થયો અને ત્યાર બાદ એક પુત્રનો જન્મ થયો.
જો કે પતિ કોઇ કામ ધંધો કરતો ન હતો અને ઘર ચલાવવા માટે પરિણીતાને નોકરી કરવી પડતી હતી.
અન્ય યુવતી સાથે પતિ રહેવા લાગ્યો
પરિણીતા પ્રાઇવેટ કંપનીમાં નોકરી જાય ત્યારે પણ પતિ તુષાર દારૂ પીને તેને રસ્તામાં રોકતો અને અપશબ્દો બોલતો.
તેમજ દારૂ પી મારઝૂડ કરતો હતો. જેથી પરિણિતા કંટાળીએને પતિ સામે કોર્ટમાં ભરણ-પોષણ માટે કેસ દાખલ કર્યો છે.
જો કે પતિ કોર્ટમાં પણ હાજર થતો નથી. તેમજ હવે પતિ અન્ય એક યુવતી સાથે અલગ ભાડાના મકાનમાં રહેવા લાગ્યો છે.
જેથી પરિણીતાએ પતિ સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે.