વારસીયામાં વેપારી સાથે મારામારી, છાણી અને ગોલ્ડન ચોકડી નજીક ટ્રક અકસ્માત

વડોદરા શહેરમાં એક જ દિવસમાં અલગ-અલગ ત્રણ ઘટનાઓ સામે આવી છે.
જેમાં એક ઘટનામાં વેપારીને પૈસા મામલે માર મારવામાં આવ્યો હતો. તો બીજી ઘટનામાં ડ્રાઈવેર બેદરકારીભર્યુ ડ્રાઇવિંગ કરતા ટ્રક રેલીંગ તોડી પલટી ખાઇ ગઇ હતી.
તો અન્ય એક ઘટનામાં બે ટ્રક વચ્ચે એકબીજા સાથે ટકરાઈ હતી.
આ ત્રણે ઘટનામાં કુલ 4 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વેપારીને પૈસા મામલે માર માર્યો
વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાં રહેતા અજીમ શેખ ગત રાત્રે દુકાનેથી ઘરે જઈ રહ્યા હતા.
ત્યારે તેમને રસ્તામાં ઝૈન ઉર્ફે ભુરીયા રફીક પઠાણનો ફોન આવ્યો હતો કે, ફતેપુરા ધુળધોયાવાડના નાકા પાસે આવ મારે તારુ કામ છે.
અજીમ શેખ ત્યાં પહોંચતા ભુરીયાએ તેમની પાસે 70 હજાર રૂપિયા પરત આપ તેમ જણાવ્યું હતું.
જેથી અજીમ શેખે કહ્યું હતું કે, મેં તમારા રૂપિયા આપી દીધા છે. જેથી ભુરિયો અને તેના સાથીદાર અજહર પઠાણ ઉશ્કેરાઈ ગયા હતા
અને અજીમને માર મારવા લાગ્યા હતા. અજીમ ત્યાંથી જીવ બચાવી ભાગ્યો હતો
અને સારવાર માટે સયાજી હોસ્પિટલ પહોંચ્યો હતો.
આ મામલે વારસીયા પોલીસ સ્ટેશનમાં ભુરિયા અને અજહર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
છાણીમાં ટ્રક રેલીંગ સાથે અથડાતા પલટી
શહેર નજીક દુમાડથી જીએસએફસી તરફ જતાં મેઇન રોડ પર કપાસીયા ભરેલ ટ્રકના ડ્રાયવર હુસેનને ઝોકું આવી જતાં ટ્રક રેલીંગ તોડી પલટી ખાઇ ગઇ હતી.
જેથી ટ્રકમાં ફસાયેલ ડ્રાયવરને વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો.
ડ્રાયવરને પગે ફ્રેક્ચર થયું હોવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
અકસ્માતને કારણે 40 મીટર જેટલી લોખંડની રેલીંગ તૂટી ગઇ હતી.
ટ્રક ચાલક સામે બેદરકારીભર્યા ડ્રાઇવિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગોલ્ડન ચોકડી પાસે બે ટ્રક ટકરાઇ
હાલોલથી માલ ભરી આવતી ટ્રક વડોદરા નજીક ગોલ્ડન ચોકડી પાસેથી પસાર થતી હતી.
ત્યારે અન્ય એક ટ્રક રિવર્સ આવી હતી અને બીજી ટ્રક સાથે અથડાઇ હતી.
જેથી રોડ પર આવતી ટ્રકને ભારે નુકશાન થતાં ટ્રક ચાલકે ટ્રક રિવર્સ લઇ રહેલા ડ્રાયવર સામે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
