ભાજપની નજર હવે દક્ષિણની 129 બેઠક પર, દોઢ વર્ષ તેજ અભિયાન

ભાજપે 2024ના ચૂંટણીરણ માટે દક્ષિણનાં 5 રાજ્યમાં જોર લગાવવા તૈયારી કરી લીધી છે.
કેરળ, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર અને તમિલનાડુમાં લોકસભાની 129 બેઠક છે.
ભાજપ અહીં સંઘની પૃષ્ઠભૂમિવાળા ચહેરા, પરંપરાગત વંશવાદી પક્ષોના અસંતુષ્ટ નેતાઓનો સાથ લેવા ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં સક્રિય બિનરાજકીય પ્રતિભાઓની લોકપ્રિયતાનો19 સહારો લેવાની રણનીતિ પર ચાલી રહ્યો છે.
‘મિશન સાઉથ’ની રૂપરેખા હૈદરાબાદમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં ઘડાઇ,
જે અંતર્ગત આગામી દોઢ વર્ષને 6-6 મહિનાના 3 તબક્કામાં વહેંચીને આ અભિયાનને વેગ અપાશે. ભાજપનું માનવું છે કે ઉત્તરમાં ગ્રોથ સેચ્યુરેશન બાદ હવે દક્ષિણમાં પગ જમાવવા પડશે.
આ રણનીતિ હેઠળ ભાજપે કેરળમાંથી પી. ટી. ઉષા, આંધ્રથી વિજયેન્દ્ર પ્રસાદ, કર્ણાટકથી વીરેન્દ્ર હેગડે અને તમિલનાડુથી ઇલૈયા રાજાને રાજ્યસભામાં મોકલ્યાં છે.
મિશન સાઉથમાં મુખ્યત્વે તેલંગાણાના સીએમ કેસીઆર અને તમિલનાડુના સીએમ સ્ટાલિન ભાજપના નિશાન પર છે.
તેલંગાણામાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ એક બેઠક જીત્યો હતો
અને તેનો વોટશેર 7% હતો
જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં તેણે ત્યાં 4 લોકસભા બેઠક જીતી અને વોટશેર 19.7% થઇ ગયો.
2016માં ગ્રેટર હૈદરાબાદ મ્યુનિ. કોર્પો.ની ચૂંટણીમાં ભાજપ 4 બેઠક જીત્યો હતો, જે 2020માં વધીને 48 થઇ ગઇ. 35% વોટ સાથે ભાજપ-ટીઆરએસ બરાબરી પર આવી ગયા હતા.