સાપલામાં તળાવ ઊંડુ કરવાની મંજૂરી મેળવીને સરપંચે ગૌચર ખોદી નાખ્યું

મહુધા પંથકમાં “સુજલામ સુફલામ” યોજના અંતર્ગત તળાવ ઊંડા કરવાની કામગીરીમાં તમામ નિયમો નેવે મૂકી માટી વેચવામાં આવતી હોવાની બુમ ઉઠી હતી.
દરમિયાન સાપલામાં તળાવ ઉંડુ કરવાની મંજૂરી મેળવી ગૌચરને તળાવ બનાવી દેવામાં આવ્યું હોવાની ફરિયાદ સ્થાનિક લક્ષમણભાઈ ભોજાણી અને ડેપ્યુટી સરપંચ દ્વારા મહુધા વહીવટી તંત્રને કરવામાં અવી હતી.
પરંતુ મહુધાના વહીવટી તંત્ર દ્વારા સમગ્ર મામલે કાગળના ઘોડા દોડાવી યોગ્ય કાર્યવાહી કરવાને બદલે સમગ્ર કાંડ પર ઢાંક પીછોડો કરતા મામલે ડીડીઓ સુધી પહોંચ્યો હતો.
જે બાદ ટીડીઓની તપાસના આધારે ડીડીઓ મેહુલ દવે દ્વારા સાપલા સરપંચ ગૌતમ ચૌહાણને નોટિસ ફટકારી દિન-7માં ખુલાસો માગ્યો છે.
અને સત્તાનો દૂરઉપયોગ કરવા બદલ ગ્રામ પંચાયત સાપલાના સરપંચના હોદ્દા પરથી દૂર કેમ ન કરવા? તે અંગે દિન-7 માં ખુલાસો માંગવામાં આવ્યો છે.
તેમજ 6 ઓક્ટોબરના રોજ જિલ્લા પંચાયત ખાતે રૂબરૂ સુનાવણીમાં હાજર રહેવા પણ જણાવ્યું હતું.
ગૌચરમાંથી કેટલી માટી ખોદી નંખાઈ?
બે વીઘા ક્ષેત્રફળ ધરાવતા ગૌચર સર્વે બ્લૉક નંબર.457 માંથી માટી કાઢી 5 થી 6 ફૂટ ઊંડું કરવામાં આવ્યું હતું.
જ્યારે સર્વે બ્લૉક નંબર.284 માંથી 20×30 મીટરની ત્રિજ્યામાં પણ 5 ફૂટ સુધી ઊંડું કરી માટી નારણપુરા લાટના ખેતરોમાં લાખ્ખો રૂપિયાની લ્હાણી કરી નાખવામાં આવી હતી.