અમદાવાદમાં જ્વેલર્સના કર્મચારીને ધક્કો મારીને રૂ. 12.33 લાખના દાગીનાની લૂંટ

ચાંદલોડિયા વિસ્તારમાં પાનના ગલ્લે પાણીની બોટલ લેવા ઉભા રહેલા જ્વેલર્સના કર્મચારીને ધક્કો મારી બાઈક સવાર 2 લુટારંુ રૂ.12.33 લાખની કિંમતના સોનાના દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હતા.
સોલા હાઇકોર્ટ પોલીસે ગુનો નોંધી બંને લુટારુઓને પકડવા તજવીજ હાથ ધરી છે.
ઘોડાસર બંધન સોસાયટીમાં રહેતા કલ્પેશભાઈ અમૃતલાલ કંસારા (43) સી.જી.રોડ સુપર મોલ કોમ્પલેક્સમાં આવેલા વિશ્વા ગોલ્ડ નામની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે.
કલ્પેશભાઈ અમદાવાદમાં સોનાના દાગીનાના ઓર્ડર લેવાનું અને આપવા જવાનું કામ કરે છે.
ચાંદલોડિયા વંદેમાતરમ ખાતે એક વેપારીને સોનાના તૈયાર દાગીના બતાવવાના હોવાથી કલ્પેશભાઈ સોમવારે બપોરે તેમની સાથે નોકરી કરતા વિમલભાઈને લઈને નીકળ્યા હતા.
તે બંને જણાં બપોરે 2.30 વાગ્યે વિશ્વવકર્મા મંદિરની સામે શ્લોક ઇન્ફિનિટી કોમ્પ્લેક્સની પાછળ આવેલા પાન પાર્લર ખાતે વિમલભાઈ પાણીની બોટલ લેવા ગયા હતા,
જ્યારે કલ્પેશભાઈ એક્ટિવા પર બેઠા હતા. ત્યારે પાછળથી કાળા રંગના બાઈક પર આવેલા 2 લુટારુ પૈકી પાછળ બેઠેલાએ કલ્પેશભાઈને ધક્કો મારી પાડી દઈ તેમની પાસેથી દાગીના ભરેલી બેગ લૂંટી ભાગી ગયા હતા.
કલ્પેશભાઈ પાસેની બેગમાં 259 ગ્રામ વજનની સોનાના 25 ડોકિયા અને 25 જોડી સોનાની કાનની બુટ્ટી હતી.
