એક નહીં, ત્રણ-ત્રણ સ્ટાઇલમાં પહેરી શકાય, સાવ નવી વેરાઇટીથી ખરીદવા માટે પડાપડી, અમદાવાદના માર્કેટમાં પગ મૂકવાની જગ્યા નહીં

કોરોનાના બાદ આ વખતે પહેલી વાર મોટા પાયે નવરાત્રિના આયોજન થઈ રહ્યાં છે.
ત્યારે નવરાત્રિમાં થનગનવા માટે અત્યારથી જ ખેલૈયાઓ તૈયારી કરી રહ્યાં છે.
જો કે દર વર્ષે નવરાત્રિને લઈને બજારમાં વિવિધ ડિઝાઈનની ચણિયાચોળી જોવા મળતાં હોય છે.
ત્યારે અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં આવેલા ચણિયાચોળીના માર્કેટમાં આ વખતે પુષ્પાસ્ટાઈલનાં ચણિયાચોળીએ યુવતીઓમાં ઘેલું લગાડ્યું છે.
આમ તો ચણિયાચોળીમાં યુવતીઓ પરંપરાગત ચણિયાચોળી વધુ પહેરવાનું પસંદ કરે છે,
પરંતુ આ વખતે યુવતીઓની પહેલી પસંદ ફ્યૂઝ ચણિયાચોળી છે
અને એમાં પણ ખાસ સાઉથની પુષ્પા ફિલ્મના નામથી પ્રચલિત બનેલાં ચણિયાચોળી.
ત્રણ રીતે પહેરી શકાશે પુષ્યાસ્ટાઈલનાં ચણિયાચોળી
આ ચણિયાચોળીની વિશેષતા એ છે કે તેને 10 મીટરના ઘેરમાં તૈયાર કરવામાં આવી છે,
જેમાં એક જ ચણિયાને તમે ત્રણ અલગ અલગ રીતે પહેરી શકશો.
એટલું જ નહીં, એની સ્ટાઈલ એવી રીતે તૈયાર કરાઈ છે કે તેને સાઈડમાં સેન્ટરથી કે પછી બેક સાઈડથી પણ પહેરી શકાશે.
પુષ્પા ચણિયાચોળીમાં ગામઠી, ટ્રેડિશનલ અને કચ્છી વર્કનું મિશ્રણ
પુષ્પા ચણિયાચોળીમાં ચણિયાની સાથે સાથે બ્લાઉઝ, ચણિયા અને ઓઢણી સહિતનો આખો સેટ હોય છે.
જેમાં ગામઠી વર્ક, ટ્રેડિશનલ કચ્છી વર્ક, મિરર વર્ક, રબારી ભરતનું મિશ્રણ જોવા મળે છે.
આ ચણિયાચોળી એટલી કલર ફૂલ છે કે તેને જોઈને જ યુવતીઓને પસંદ પડી જાય છે જેના કારણે તે પહેલી પસંદ બની રહી છે.
2 હજારથી લઈને 4 હજાર સુધીમાં મળે છે પુષ્પા ચણિયાચોળી
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં લો ગાર્ડનના વેપારીએ જણાવ્યું હતું કે હાલ પુષ્પાસ્ટાઈલનાં ચણિયાચોળીની ખૂબ જ ડિમાન્ડ ચાલી રહી છે.
હાલ આ ચણિયાચોળી 2 હજારથી લઈને 4 હજાર રૂપિયા સુધીમાં અમે ગ્રાહકોને વેચી રહ્યાં છીએ.
ક્રેઝ એટલો કે 3 દિવસમાં 700 નંગ વેચાયા
વેપારીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે હાલ બજારમાં અવનવી પેટર્નનાં ચણિયાચોળી અમે વેચી રહ્યા છે,
પરંતુ ગ્રાહકો અહીં આવીને પુષ્પા ચણિયાચોળીની જ ડિમાન્ડ કરી રહ્યા છે,
જેના કારણે છેલ્લા 3 દિવસમાં અમારી પાસેથી 700 નંગ પુષ્પા ચણિયાચોળી વેચાયાં છે.