નેતાઓની રેવડી મફત પણ બજારની રેવડી 25% મોંઘી

ગુજરાતમાં ચૂંટણી પહેલાં મફતની રાજકીય રેવડીઓની ચર્ચા વચ્ચે પ્રસાદની રેવડીના ઉત્પાદકો મોંઘવારીથી પરેશાન છે.
કારણ કે, વિવિધ ચીજ વસ્તુઓના ભાવ વધારાને પગલે રેવડીના ઉત્પાદનનો ખર્ચ 25 ટકા જેટલો વધી ગયો છે.
બજારમાં હાલમાં રેવડી 100થી લઈને 180 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહી છે જેનો ભાવ નવરાત્રિમાં હજુ વધી શકે છે.
રેવડીના હોલસેલ વેપારી અશોક સાવલાનીએ જણાવ્યું હતું કે તલના ભાવ અને બીજા ખર્ચને લીધે રેવડીના ભાવમાં અને વધારો કર્યો છે.
અને હાલમાં 85 રૂપિયે કિલો હોલસેલ રેટ સુધી વિવિધ ક્વોલિટીની રેવડી વેચીએ છીએ.
62 રૂપિયાની રેવડી 72 રૂપિયામાં બની
રેવડીના ઉત્પાદક કિશોરભાઇએ જણાવ્યું હતું કે આ વર્ષે ઉત્પાદન ખર્ચમાં 20% જેટલો વધારો થયો છે.
ગત વર્ષે તલ 135 રૂ. કિલો હતા જે અત્યારે 165 રૂ. છે. ગ્લુકોઝ 8,500 રૂ. (300 કિલો) હતો તે 13,200 રૂ. પહોંચ્યો છે
જ્યારે ખાંડનો ભાવ પણ 3400થી વધીને 3750 પ્રતિ 100 કિલો થયો છે. રેવડીનો ઉત્પાદન ખર્ચ રૂ. 72 પ્રતિ કિલો પહોંચ્યો જે ગત વર્ષે રૂ.62 હતો.
વેપારીએ કહ્યું કોરોનામાં લોકો રેવડીથી દૂર રહ્યા, ભાવ નહીં વધારીએ
અમદાવાદમાં કાલુપુરમાં 100 વર્ષ જૂની પેઢી લાલા રેવડીવાલાના માલિક ગોવિંદ લાલાએ પણ ઉત્પાદન ખર્ચ 25 ટકા વઘ્યો હોવાનું કબૂલ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ખાંડ, ગોળ, કોલસો, પેકિંગ, લેબર, તલ વગેરેમાં ભાવ વધારાના પગલે રેવડીના ઉત્પાદન ખર્ચમાં 25 ટકા જેટલો વધારો થયો છે.
જોકે અમે ગ્રાહકો પર તેનો ભાર નહિ આવવા દઈએ.
કારણકે બે વર્ષથી કોવિડને પગલે લોકો રેવડીથી દૂર રહ્યા હતા.
અમે ઇચ્છીએ કે તે વધુ દૂર ન થાય.
