ગોધરામાં એક રાત્રિમાં ચાર મકાનમાં હાથફેરો; સોના-ચાંદીના દાગીના અને પરચૂરણ રોકડ લઈ તસ્કરો ફરાર

ગોધરા શહેરના યોગેશ્વર વિસ્તારમાં આવેલ ગોવર્ધન નગર, પદ્માવતી સોસાયટી અને સુંદરવન ટ્વિન્સમાં એક રાત્રીમાં ચાર મકાનના તાળા તોડી તસ્કરો સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ લઇ ફરાર થઇ ગયા હતા.
બનાવની જાણ પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે દોડી આવી વધારે તપાસ હાથ ધરી છે.
ત્યારે ગોધરા શહેરની ગોવર્ધન નગર સોસાયટીમાં મકાન નંબર 62માં રહેતા નરેશભાઈ નરીયાણી છેલ્લા એક અઠવાડિયાથી પોતાની દીકરી અને દીકરાને લઈને અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ગયા હતા.
જેથી એક અઠવાડિયાથી બંધ મકાનને અજાણ્યા ચોર તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ લઇ ફરાર થઇ ગયા હતા.
તસ્કરો દાગીના અને રોકડ રકમ લઈને ફરાર
આ ઉપરાંત પદ્માવતી સોસાયટીમાં રહેતા કમલેશભાઈ દેવનદાસ તીર્થથાણી અને પદ્માબેન જેઠાણી પોતાની માતાનું અવસાન થવાના કારણે વડોદરા ગયા હતા.
ત્યારે અજાણ્યા ચોર ઈસમે મકાનના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી તીજોરીમાંથી સોનાચાંદીના દાગીના સહિત રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા.
ત્યારે આ જ સોસાયટીમાં રહેતા રમીલાબેન મણીભાઈ આહીરના મકાન નંબર 12ને પણ અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી અંદર પ્રવેશ કર્યો હતો,
પરંતુ મકાનમાં કંઈ ન મળતા પાછા ફર્યા હતા.
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
આ સિવાય સુંદરવન ટ્વિન્સમાં રહેતા રહીશના ત્યાં પણ તસ્કરોએ દરવાજાનો નકૂચો તોડી રોકડ રકમ સહિત સોના-ચાંદીના દાગીના લઇ ફરાર થઇ ગયા હતા.
ગોધરાના યોગેશ્વર સોસાયટીમાં આવેલી ગોવર્ધન નગર પદ્માવતી સોસાયટી અને સુંદરવન ટ્વિન્સમાંથી જ એક રાત્રિમાં ચાર મકાનના તાળાં તોડી અંદાજે લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
હાલમાં ગોધરા એ ડિવિઝન પોલીસે ચારેય મકાનની તપાસ કરી વધુ વિગતો મેળવવા માટે ધમધમાટ શરૂ કર્યો છે.
