ગઠિયાએ કોઈ પ્રવાહી નાખી સંમોહિત કરતાં મહિલાએ જાતે સોનાનાં ઘરેણાં આપી દીધાં

પાટડી આરોગ્ય સ્ટાફ ક્વાર્ટર્સમાંથી ધોળા દિવસે 2 ગઠિયા 3 તોલા સોનુ લઈ ફરાર થઇ ગયા છે.
પાટડી આરોગ્ય કેન્દ્રના સ્ટાફ નર્સ હુસેનાબેન ઇમ્તિયાઝભાઇ પઠાણના મોટાબેન બબીબહેન મોજીદભાઈ કુરેશી નામના વૃદ્ધ મહિલા ક્વાર્ટર્સમાં રહે છે.
આ વૃદ્ધા પર કોઈ પ્રવાહી નાખી સંમોહિત કરતા પોતાની જાતે જ સોનાના ઘરેણા આપી દીધા હોવાનું સામે આવ્યું છે.
વૃદ્ધાની ફરિયાદના આધારે પાટડી પોલીસે 2 અજાણ્યા શખસ સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પાટડીમાં સમયાંતરે અજાણ્યા ઠગ ગઠિયાઓ મહિલાઓને સોના ચાંદીના દાગીના સાફ કરવાનું કહીને અથવા તો પ્રવાહી છાંટીને અર્ધબેભાન કરી ધોળા દિવસે છેતરપિંડી કે ચોરીની ઘટનાઓ જોવા મળે છે.
ત્ય ારે પાટડી સામૂહિક આરોગ્ય કેન્દ્રના સરકારી આવાસ પર સોમવારે દિવસ દરમિયાન અંદાજે 11 કલાક પછીના સમયગાળામાં વૃદ્ધાની એકલતાનો લાભ લઇ પાણી પીવાના બહાને 2 ગઠિયા આવ્યા હતા.
બાદમાં પ્રવાહી નાખી વૃદ્ધ મહિલાને સંમોહિત કર્યા હતા.
જેના કારણસર વૃદ્ધાએ પોતાના હાથમાં પહેરેલી સોનાની 2 બંગડી અને ગળામાં પહેરેલો સોનાનો ચેઈન બંને મળી આશરે 3 તોલા સોનાના દાગીના કાઢી આપી દીધા હતા.
અને બંને યુવાનો છેતરપિંડી કરી પળવારમાં પલાયન થઈ ગયા હતા. બાદમાં વૃદ્ધાએ રાડો પાડતાં આજુબાજુના પાડોશીઓ દોડી આવ્યા હતા.
જ્યારે બંને ગઠિયા ધોળા દિવસે કળા કરીને પોબારા ભણી ગયા હતા
આ ચકચારી બનવા અંગે પાટડી પોલીસે બંને અજાણ્યા યુવાનો સામે ચોરી છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવાની સાથે એમને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યાં છે.
કેમેરામાં કાંઇ રેકોર્ડ જ ના થયું
પાટડી સરકારી હોસ્પિટલ અને સ્ટાફ ક્વાર્ટર્સમાં થોડા સમય અગાઉ લાખોના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવાયા હતા.
પરંતુ કેમેરામાં કાંઇ રેકોર્ડ જ થયું ન હતું.
પાટડી પોલીસ દ્વારા સીસીટીવીના ડિકોર્ડેર લઇ જવાયા પરંતુ કોઇ કામનું રહ્યું ન હતું.
ક્વાર્ટર્સમાં ઘોર અંધારપટ
પાટડી સરકારી હોસ્પિટલ અને આરોગ્ય વિભાગના સરકારી ક્વાર્ટર્સમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી ઘોર અંધારપટ જોવા મળે છે.
પીઆઇયુ વિભાગને લાખોનો બજેટ ફાળવવામાં આવતા હોવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા અનેકો રજૂઆત છતાં કોઇ જ કાર્યવાહી હાથ ધરાતી નથી.
પાટડી આરોગ્ય વિભાગના મુખ્ય અધિક્ષકના ક્વાર્ટર પાસે જ ઘોર અંધારું જોવા મળ્યું હતું.
ધોળા દિવસે જ આવી ઘટના બનતી હોય તો તસ્કરો કે ગઠિયાઓને રાત્રિના અંધારામાં મોકળું મેદાન મળી જાય છે.
