ગોતામાં દૂધની દુકાન બંધ કરાવવા ગયેલા 20 લોકોનાં ટોળાંએ વેપારીને માર મારી કપડાં ફાડ્યાં, ફ્રીજ-કેરેટ તોડ્યાં

ગોતામાં દુકાનો બંધ કરાવવા ગયેલા 20 લોકોએ વેપારીને જબરદસ્તીથી દુકાન બંધ કરવાનું કહી માર મારી કપડાં ફાડી નાખ્યાં હતાં
અને દુકાનમાં ફ્રીજ, દૂધનાં કેરેટની તોડફોડ કરી જતા પહેલાં વેપારીને દુકાન બંધ ન કરે તો મારી નાખવા ધમકી આપી હતી.
ગોતામાં વંદેમાતરમ્ શુકન રેસિડેન્સીમાં રહેતા અરવિંદભાઈ પટેલ (ઉં.58) શુકન રેસિડેન્સીમાં દુકાન ધરાવીને ગણેશ પાન પાર્લર ચલાવે છે.
બુધવારે સવારે 9 વાગ્યે 15થી 20 લોકો લાકડીઓ લઈને તેમની દુકાને આવ્યા હતા અને કહ્યું હતું કે, ‘આજે દૂધ વેચવાનું નથી?
તમને ખબર નથી પડતી?’ આટલું કહેતા અરવિંદભાઈએ તેમને કહ્યું હતું કે, ‘હું થોડી વારમાં દુકાન બંધ કરી દઉં છું.
’ જોકે ટોળાંએ અરવિંદભાઈની દુકાનની બહાર મૂકેલા ફ્રીજમાંથી પાણીની અને ઠંડાં પીણાંની બોટલો કાઢીને પીવા લાગ્યા હતા.
અરવિંદભાઈએ પૈસા માગતા તે લોકો ગાળો બોલવા લાગ્યા હતા
અને માર મારી તેમનાં કપડાં ફાડી નાખ્યાં હતાં.
ટોળાએ ફ્રીજ અને દૂધનાં કેરેટને લાકડીઓ મારી તોડફોડ કરી હતી.
આ અંગે અરવિંદભાઈએ સોલા હાઈકોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.