નડિયાદના અરેરામાં ખેતરના રસ્તા મામલે થયેલા જીવલેણ હુમલા પ્રકરણમાં 7 વ્યક્તિઓને 7 વર્ષની સજા

નડિયાદના અરેરામા પાંચ વર્ષ અગાઉ થયેલા જીવલેણ હુમલા પ્રકરણમાં સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.
જેમાં 7 જેટલા આરોપીઓને આ ગુનામાં તકસીરવાન ઠેરવી 7 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે.
આરોપીઓએ ઝઘડો કરી હુમલો કર્યો
નડિયાદ તાલુકાના અરેરા તાબેના સંદેવાળસી વિસ્તારમાં રહેતા રવજીભાઈ બુધાભાઈ સોઢા, બુધાભાઈ મગાભાઈ સોઢા, પ્રતાપભાઈ મગાભાઈ સોઢા, પ્રકાશ ઉર્ફે ભદીયો પ્રતાપભાઈ સોઢા, વિનુભાઈ સોમાભાઈ સોઢા, લક્ષ્મણ ઉર્ફે પ્રતાપ ભીખાભાઈ સોઢા અને રામાભાઇ ભીખાભાઈ સોઢાએ 12 જુલાઈ 2017ના રોજ આ ગામની સીમમાં આવેલી સર્વે નંબર 633 વાળા ખેતરનું ઉપરોક્ત આરોપીઓએ છીડુ ખોલી રસ્તો પાડવા જતા ગામમા રહેતા ભરતસિંહ ઉદેશીહ સોઢાએ ના પાડી હતી.
માથાના ભાગે ધારીયુ મારી દીધું હતું
આથી ઉશ્કેરાયેલા ઉપરોક્ત 7 વ્યક્તિઓએ હથિયારો સાથે સજ્જ થઈ ગેરકાયદેસર મંડળી રચી સામાન્ય હેતુ પાર પાડવા ધારીયા લોખંડની પાઇપો, લાકડાના દંડા સાથે આવી રામાભાઈ ભીખાભાઈ સોઢાએ ભરતસિંહ સોઢાને માથાના ભાગે ધારીયુ મારી દીધું હતું અને જીવલેણ ઈજાઓ કરી હતી.
આ ઉપરાંત અન્ય આરોપીઓએ પણ ભરતસિંહને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી
આ સમગ્ર મામલે ભરતસિંહ સોઢાએ ઉપરોક્ત હુમલો કરનાર રવજીભાઈ બુધાભાઈ સોઢા, બુધાભાઈ મગાભાઈ સોઢા, પ્રતાપભાઈ મગાભાઈ સોઢા, પ્રકાશ ઉર્ફે ભદીયો પ્રતાપભાઈ સોઢા, વિનુભાઈ સોમાભાઈ સોઢા, લક્ષ્મણ ઉર્ફે પ્રતાપ ભીખાભાઈ સોઢા અને રામાભાઇ ભીખાભાઈ સોઢા સામે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જે બાદ પોલીસે આરોપીઓને ઝડપી કોર્ટમાં ચાર્જસીટ રજૂ કરી હતી.
રૂ. 3 હજારનો દંડ ભરવાનો પણ હુકમ કર્યો
આજે આ કેસ નડિયાદની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો.
ન્યાયાધીશ એ.આઈ. રાવલે સરકારી વકીલ પી.આર. તિવારીની દલીલોને ગ્રાહ્ય રાખી હતી.
ઉપરાંત સરકારી વકીલે 14 જેટલા દસ્તાવેજો પુરાવાઓ અને 9 સાહેદોની જુબાની રજૂ કરી હતી.
જે બાદ આવા બનતા ગુનાઓ અટકે તે માટે ન્યાયાધીશે ઉપરોક્ત તમામ 7 આરોપીઓને સાત વર્ષની સખ્ત કેદની સજા અને રૂપિયા 3 હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો છે.