સુરતમાં 11 વર્ષની સગીરાની છેડતી કરનાર યુવાનને કોર્ટે 3 વર્ષની કેદની સજા ફટકારી

સુરતમાં દવાખાને ગયેલા માતા-પિતાની ગેરહાજરીમાં ઘરમાં એકલતાનો લાભ લઇને 11 વર્ષીય સગીરાની છેડતી કરનાર આરોપીને
કોર્ટે કસૂરવાર ઠેરવીને 3 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.
પરિવાર દવાખાને ગયો ને દીકરીની છેડતી થઈ
આ કેસની વિગત મુજબ ગત તા. 17-5-2013ના રોજ ખટોદરા પોલીસ મથકની પાછળના ભાગમાં અંબાનગર નહેર રોડ ઉપર રહેતા મજૂર પરિવારનું દંપતી દવાખાને ગયું હતું.
તેઓને ઘરે આવતા રાતના 9 વાગી ગયા હતા.
તેઓ ઘરે આવ્યા ત્યારે તેમની 11 વર્ષની મોટી દીકરી રડી રહી હતી.
આ બાળકીએ તેની માતાને રડતા રડતા કહ્યું કે, તમે ગયા બાદ આપણા ઘરની નજીક રહેતો ‘બાબા’ આવ્યા હતા,
તેઓએ ઘરમાં મને એકલા જોઇને છેડતી કરી હતી.
આ બાબતે દંપતીએ ખટોદરા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે રામકૈલાસ સુંદર યાદવ (ઉ.વ.35)ની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો.
કોર્ટે આરોપીને 3 વર્ષની કેદની સજા ફટકારી
આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ દિપેશ દવેએ રજૂઆતો કરીને આરોપીને વધુમાં વધુ સજા આપવા માટે કહ્યું હતું.
કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ દિન-પ્રતિદિન સ્ત્રીઓ ઉપર જાતીય સતામણીના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે
અને મહદઅંશે નજીકના કુંટુબીજનો અથવા તો ઓળખીતા હોય તેવી વ્યક્તિઓ દ્વારા ભોગ બનનારની જાતીય સતામણી કરવામાં આવે છે
અને આવા સંજોગોમાં હળવું વલણ લઇ શકાય નહીં.
આરોપીએ સગીરાની એકલતાનો લાભ લઇને શારીરિક સતામણી કરી છે
અને કાયદામાં જોગવાઇ હોય તેવી મહત્ત્મ સજા કરવી જોઇએ તેવું આ કોર્ટનું માનવું છે
તેમ ટાંકીને આરોપી રામકૈલાસને 3 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.
