રેઢાણાથી કારમાં ટીન બીયરનો જથ્થો લઇને આવતાં ઝાપડીયાના બે ઝબ્બે
દેવગઢ બારિયાના તાલુકાના રેઢાણા ગામેથી કારમાં હેરાફેરી કરાતા 28,600ના ટીન બીયરના જથ્થા સાથે બે વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યા હતા.
ટીન બીયરનો જથ્થો તથા કાર અને બે મોબાઇલ મળી 88,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ઝાપટીયા ગામના બે વિરૂદ્ધ સાગટાળા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા પોલીસ મથકના પી.એસ.આઇ. તથા સ્ટાફ ગતરોજ પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન જીજે-01-એચએન-6323 નંબરની સ્વીફ્ટ કારમાં દારૂનો જથ્થો ભરી બે વ્યક્તિઓ રેઢાણા ગામના રસ્તા ઉપરથી નિકળવાના હોવાની બાતમી મળી હતી.
જેના આધારે પી.એસ.આઇ. તથા સ્ટાફ્ના માણસો રેઢાણા ગામે ડાયરા વોચમાં હતા.
તે દરમિયાન બાતમીવાળી કાર આવતાં તેને રોકી ગાડીમાં સવાર ઝાપટીયાના જીગ્નેશ ઉર્ફે જીગો લલ્લુ નાયકા તથા ગોપાલ પર્વત નાયકાને નીચે ઉતારી ગાડીમાં તપાસ કરતાં રૂ.28,600ના બીયર ટીનના 286 નંગ મળી આવ્યા હતા.
બીયર ટીનનો જથ્થો તથા હેરાફેરીમાં વપરાયેલ 50 હજારની સ્વીફ્ટ કાર તથા 2 મોબાઇલ મળી 88,600 રૂપિયાનો મુદ્દામાલ સાથે બન્નેની ધરપકડ કરી તેમની વિરૂદ્ધ દારૂનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.