મહીસાગર વન વિભાગ દ્વારા લુણાવાડાની કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઇ; 60 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો
પ્રતીકાત્મક તસવીર:મહીસાગર વન વિભાગ દ્વારા લુણાવાડાની કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે ચિત્ર સ્પર્ધા યોજાઇ; 60 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતેની કિસાન માધ્યમિક વિદ્યાલયના પ્રાંગણમાં મહીસાગર વન વિભાગ લુણાવાડા રેંજ દ્વારા પ્રકૃતિના સાનિધ્યમાં 2જી ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત વન્યપ્રાણી જાગૃતિ અંગે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઉજ્જવળ ભવિષ્ય માટે વન્યપ્રાણીઓનું સન્માન, વન અને વન્ય પ્રાણીઓનું મહત્વ, વન અને માનવીય સંબધો આ ત્રણ વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ધોરણ 8 અને 9ના મળીને આશરે 60 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આશરે 60 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો
આ પ્રસંગે લુણાવાડા રેંજ ફોરેસ્ટ ઓફીસર વૈભવ હારેજા દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં વન્યપ્રાણી સંરક્ષણ અંગે જાગૃતિ, પ્રકૃતિ શિક્ષણ અંગે તેમજ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1973ની મહત્વની જોગવાઈઓ તેમજ માનવ–વન્યપ્રાણી ઘર્ષણ અટકાવવા અંગેની સમજ આપવામાં આવી હતી.
આ વિસ્તારમાં વધુ જોવા મળતા મગર જેવા વન્યપ્રાણીના રેસ્કયુ બાબતે લોકોને અગત્યની માહીતી પૂરી પાડવામાં આવી હતી.
જાહેર જનતા માટે ઉપલબ્ધ કરવામાં આવેલા વન્યજીવના બચાવ, રાહત અને ફરીયાદ નિવારણ માટેની વન વિભાગની હેલ્પલાઈન 8320002000 વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ચિત્ર સ્પર્ધાના અંતમાં ઉત્સાહપૂર્વક ભાગ લેનારા વિજેતા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતિય એમ ત્રણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે ઈનામ એનાયત કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે ઈનામ એનાયત કરાયા
આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વ્યક્તિઓએ વન્યજીવ સંરક્ષણ કરવા બાબતે કટિબદ્ધતા દર્શાવી હતી.
લુણાવાડા રેંજ દ્વારા વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત યોજવામાં આવેલા
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
અને વન્યપ્રાણી સંરક્ષણ અંગેની તેમજ વન વિભાગને અનુલક્ષી અન્ય ઉપયોગી માહિતી મેળવી હતી.
આ કાર્યક્રમમાં વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે રસ ધરાવતા બિન સરકારી સંગઠન મહીસાગર નેચર એન્ડ એડવેન્ચર ફાઉન્ડેશનના પ્રમુખ મયુર પ્રજાપતિ, સભ્યો, વન કર્મીઓ તેમજ શાળાના આચાર્ય શિક્ષકગણે ઉત્સાહસભર સાથ સહકાર આપી સફળ બનાવ્યો હતો.