દાહોદના ભીટોડીમાં ચાલતાં જતાં દાદા-પૌત્રને ઈક્કોના ચાલકે અડફેટે લીધા, બંનેના મોત
દાહોદ તાલુકાના ભીટોડી ગામે એક ઈક્કો ગાડીના ચાલકે રસ્તે ચાલતાં પસાર થઈ રહેલ દાદા – પૌત્રને અડફેટમાં લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
જેમાં દાદાનું ઘટના સ્થળે અને પૌત્રનું સારવાર દરમ્યાન મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.
દાદા પોતાના પૌત્રની સાથે ચાલતાં નીકળ્યા હતા.
ગત તા. 1 ઓક્ટોબરના રોજ દાહોદ તાલુકાના ભીટોડી ગામે સરપંચ ફળિયામાં રહેતાં 62 વર્ષીય જીનુભાઈ શીશકાભાઈ ડામોર તેમના 8 વર્ષીય પૌત્ર પવનકુમાર અરવિંદભાઈ ડામોરને લઈને નીકળ્યા હતા.
બંન્ને દાદા – પૌત્ર ભીટોડી ગામેથી ચાલતાં પસાર થઈ રહ્યાં હતાં
તે સમયે એક ઈક્કો ગાડીનો ચાલક પોતાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી આવ્યો હતો.
આ ચાલકે ચાલતાં જતાં જીનુભાઈ અને પવનકુમારને અડફેટમાં લેતાં અકસ્માત સર્જાયો હતો.
આ ગમખ્વાર અકસ્માતમા બંન્ને દાદા – પૌત્ર ગંભીર રીતે ઘાયલ થયા હતા.
જેમાં જીનુભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું.
દાદા-પૌત્રના મોતથી પરિવારમાં શોક છવાઈ ગયો
પૌત્ર પવનકુમારને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેને પણ સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હતો
પરંતુ કમનસીબે આઠ વર્ષિય પૌત્ર પવનકુમારનું પણ સારવાર દરમ્યાન મોત નીપજતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
આ સંબંધે ભીટોડી ગામે સરપંચ ફળિયામાં રહેતાં રસલીબેન જીનુભાઈ ડામોરે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.