ગુજરાતની ખેલાડીઓ કહે છે, નવરાત્રિમાં ગરબા જ નહીં, મધર ગેમ જીમ્નેસ્ટીક માટે ઘણું બધું છોડ્યું, અમારી ટક્કર પંજાબ, હરીયાણા, બંગાળ, UP સામે થશે

36મી નેશનલ ગેમ્સની જીમ્નેસ્ટીક ટુર્નામેન્ટ વડોદરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રમાનાર છે,
ત્યારે ગુજરાતમાંથી જીમ્નેસ્ટીકમાં ભાગ લેવા માટે આવી પહોંચેલા ખેલાડીઓ પૈકીની યુવતીની ટીમે જણાવ્યું હતું કે, જીમ્નેસ્ટીક ગેમમાં ગુજરાત અને દેશનું નામ રોશન કરવા માટે હાલમાં ચાલી રહેલા નવરાત્રિમાં ગરબા તો શું..ઘણું બધું છોડી દીધું છે. અમારી ટક્કર પંજાબ, હરીયાણા, બંગાળ અને યુ.પી.ની ટીમો સામે રહેશે.
પરંતુ, અમે ચોક્કસ મેડલ લાવીશું, તેવો અમને વિશ્વાસ છે.
અમે સંપૂર્ણ ફીટ છીએ
વડોદરા ખાતે યુવતીઓના જીમ્નેસ્ટીક કોચ હરીશભાઈ સાથે આવી પહોંચેલી યુવતીઓએ જણાવ્યું હતું કે, જીમ્નેસ્ટીક મધર ગેમ છે.
અમોને ઉત્સાહ પણ છે અને પ્રેશર પણ છે.
ઉત્સાહ એટલા માટે છે કે, ગુજરાતમાં પ્રથમ વખત નેશનલ ગેમ રમાઇ રહી છે અને તેમાં અમો ભાગ લઇ રહ્યા છે
અને પ્રેશર એટલા માટે છે કે, જ્યારે ગુજરાતમાં નેશનલ ગેમ રમાતી હોય અને ગુજરાત આપણી હોમ પીચ હોય ત્યારે મેડલ મેળવવાનું લક્ષ્ય રહેતું હોવાથી પ્રેશર હોય છે.
પરંતુ, અમો સારું પર્ફોમન્સ બતાવવા માટે સજ્જ છીએ. બે દિવસથી વડોદરા આવી ગયા હોવાથી અમને પ્રેક્ટીસ કરવાનો મોકો મળ્યો છે.
મ્યુઝીક સાથે પ્રેકટીસ કરવી જરૂરી હોય છે. જે અમોને અહીં બે દિવસમાં કરવા મળી છે.
જિમ્નેસ્ટીકમાં બેલેન્સ, ચહેરાનો હાવભાવ અને ફીટનેશ એમ ત્રણેયનો સમન્વય હોય છે.
કોમ્પ્લેક્ષ શણગારવામાં આવ્યું
વડોદરામાં 36મી નેશનલ ગેમની યજમાની કરવા માટે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલી તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે.
સમા કોમ્પ્લેક્સને શણગારવામાં આવી રહ્યું છે. તેની સાથે જીમ્નાસ્ટિકનું મેદાન પણ તૈયાર કરવામાં આવ્યું છે.
દિલ્હીથી ખાસ મંગાવવામાં આવેલા એપ્રેટ્સ અને ટ્રેમ્પોલિન લગાવવામાં આવ્યા છે.
ખાસ વાત તો એ છે કે, શહેરીજનો કોઇ પણ ટિકિટ વિના આ રમત નિહાળી શકશે.
36મી નેશનલ ગેમ્સમાં રમાનારી 36 રમતોમાં 36 રાજ્યો તથા કેન્દ્ર શાસિતપ્રદેશોના ખેલાડીઓ ભાગ લેવાના છે.
તે પૈકી વડોદરાના સમા કોમ્પ્લેક્સમાં જીમ્નાસ્ટિક થવાની છે. જીમ્નાસ્ટિકમાં કુલ 178 ખેલાડીઓ ભાગ લેવાના છે.
આર્ટિસ્ટિક, રિધમિક અને ટ્રેમ્પોલિન પ્રકારની જીમ્નાસ્ટિક થશે.
મજાની વાત તો એ છે કે, લગભગ ખેલાડીઓની સમકક્ષ સંખ્યામાં એટલે કે, 130 જેટલા નિર્ણાયકો પણ આવશે.
વડોદરાના બે ખેલાડીઓ રમશે
જીમ્નેસ્ટીકના ગુજરાતના કોચ હિમાંશુ દવેએ જણાવ્યું હતું કે, જીમ્નાસ્ટિકની એક રમતમાં 9 જજીસ અને એક સ્કોરર એમ મળી કુલ 10 વ્યક્તિ નિહાળે છે.
એક ખેલાડીને રમતમાં પોઇન્ટ મેળવવા માટે 9 જજીસની કસોટીમાંથી પસાર થવું પડે છે.
10 કરામતના એક સેટ માટે મૂલ્યાંકન કરવામાં આવે છે.
તેમાં સેટમાં જે તે કરામતની કષ્ટસાધ્યતા અને તેમાં થતી ભૂલોને આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે.
આ ગેમની શરૂઆત થાય એ પહેલા નિર્ણાયકો અને આયોજકોની તા. 29ના રોજ એટલે કે આજે એક મિટિંગ થશે અને તેમાં શિડ્યુઅલ ડ્રો કરવામાં આવશે.
ગુજરાતના કુલ 17 ખેલાડી ભાગ લેવાના છે. તે પૈકી વડોદરાના બે ધ્રુવ ભાટિયા અને ઇશા ઠાકોર પણ ગુજરાતની ટીમમાં છે.
રિધમિક જીમ્નાસ્ટિક તા. 3અને તા.4ના રોજ થશે. આ રમત નિહાળવા લોકો આતૂર હોય છે.
વિવિધ કમિટીઓની રચના
ખેલાડીઓ માટે રહેવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા ઉમદા વ્યવસ્થા કરવામાં આવી છે.
કલેક્ટર અતુલ ગોર દ્વારા નેશનલ ગેમ્સના વ્યવસ્થાપન માટે વિવિધ કમિટિઓની રચના કરવામાં આવી છે.
એરેનામાં કુલ 1500 વ્યક્તિની બેઠક વ્યવસ્થા છે.